Sunday, April 11, 2010

મુકુલ ચોકસી

કોઈ જોનારું નથી કો' ભજવનારુ નથી.
આપણા નાટકનો છેલ્લો અંક સારો જાય છે.
-------------------------------------------

રામ બનવાનું બહુ અઘરુંનથી હોતું અગર
શર્ત એ છે કે નિખાલસ એક જાણ શબરી બંને.

-----------------------------------------------

જો એ વ્યક્તિ જ હાજર હોય તો એનો ય છે આનંદ
નહીંતર આમ ક્યાં ઓછો છે એની યાદનો મહિમા?

Wednesday, April 7, 2010

-રાજેન્દ્ર શુક્લ

તું ય છે સાવ સમીપે,
મંજુ મંજુ પદરવ છલકે છે

મસ્ત મળ્યાં તો મસ્તી જ મસ્તી,
રોમ રોમ આસવ છલકે છે

તારું ય એશ્વર્ય અનેરું,
મારો ય વૈભવ છલકે છે.

લંબાયેલો હાથ ગ્રહી લે,
ચાલ  બતાવું,  ભવ છલકે છે. 

                               - રાજેન્દ્ર શુક્લ

અક્ષતયૌવનનું ગીત. - વિરુ પુરોહિત

કોણ જાણે ક્યાં યોગમાં આવા ફૂલ ખીલ્યા છે સૈ ?
દિવસે ફરું બ્હાવરી, મને રાતમાં નીંદર નૈ !

આજ થંભાવી વાટમાં મને કહયું નગરશેઠે :
થાય મને, હું આજથી આવતો જાઉં તમારી વેઠે 
કોઈ કહે : ના નીકળો દેવી ! આટલા ઠાઠમ ઠાઠે,
અમથુંય આખું ગામ તમારું નામ રટે છે પાઠે !

ફાળ પડી'ને પેટીએ બધું ય આજથી પુરતી થૈ
કોણ જાણે ક્યાં યોગમાં આવા ફૂલ ખીલ્યા છે સૈ ?
દિવસે ફરું બ્હાવરી, મને રાતમાં નીંદર નૈ !

પૂછવા  આવ્યો રાજ-દરોગો આંખમાં ધરી ચીડ,
ગામ છે ઉજ્જડ, કેમ છે તારા ઘરની ઉપર તીડ?
હું ભોળી કંઈ કંઈબોલતા તૂટયા વનના બધા નીડ,
એટલામાં તો માણસો થયા ઘાસનું લીલું બીડ.

મેં કહયું : હું નદીએ ન્હાંતાં માછલી મરી ગૈ !
કોણ જાણે ક્યાં યોગમાં આવા ફૂલ ખીલ્યા છે સૈ ?
દિવસે ફરું બ્હાવરી, મને રાતમાં નીંદર નૈ !

-વિરુ પુરોહિત

અહીં સાદગીનું નામ એક મીરાં -દિલીપ રાવલ

રાધાએ સેંથીમાં મોતી ટાંક્યાને
કઈક ચૂંદડીએ ટાંક્યા છે હીરા 
અહીં સાદગીનું નામ એક મીરાં

રાધાને વ્હાલા છે અંગઅંગ ચીર
અને અનહદ આભૂષણની માયા
ગોકુળમાં ઘેર ઘેર વટલાયું નામ
હવે સંકોરી લેવી છે કાયા.

મેવાળી વાત તમે માંડો તો મીરાએ
માંગ્યા છે શ્વેત શ્વેત લીરા
અહીં સાદગીનું નામ એક મીરાં.


રાધાની ઓઢણીયે સોનેરી તાર
અને મીરાંને હાથ એક તારો 
તાર -તાર સાથ એક વાતનો વિવાદ
બોલ શ્યામ હવે તારો કે મારો.

સૌના છે શ્યામ વાત જાણ્યાની બાદ
પડે હૈયામાં ગમતીલા ચીરા
અહીં સાદગીનું નામ એક મીરાં 
                   
                                   -દિલીપ રાવલ
                       

ભૂલી જા - મનોજ ખંડેરિયા

દુઃખ ભૂલી જા, દીવાલ ભૂલી જા,
થઇ જશે તું ય ન્યાલ, ભૂલી જા.

      જીવ કર મા ધમાલ ભૂલીજા
      એનો ક્યાં છે નિકાલ, ભૂલી જા

જો સુખી થઇ જવું હો તારે તો
જે થતા તે સવાલ, ભૂલી જા

     મૌનરહી મિત્રતાનું ગૌરવ કર
     કોણે ચાલી'તી ચાલ, ભૂલી જા

રાખ મા યાદ ઘા કોણે કર્યો
તું બન્યો કોની ઢાલ, ભૂલી જા.

     ઘેર જઈ ધોઈ નાખ પહેરણ તું
     કોણે છાંટ્યો ગુલાબ, ભૂલી જા.

રાસ તારે નીરખવો હોય ખરો
કર બળ્યો કે મશાલ ભૂલી જા.
                            
                      -મનોજ ખંડેરિયા
બે લખી ગઝલ મોથ શું મારી
તારી ક્યાં છે કમાલ, ભૂલી જા.

Tuesday, April 6, 2010

હું તને જાણું છુ - રાજેશ પંડ્યા

હું તને જાણું છુ

જે શિલા પર હું બેઠો છું
તેના કેટલાય પળ ઊંડે
તું વહે છે.

હવાની લ્હેરખી જરીક અડે છે મને
ત્યારે જળમાં પાની બોળી 
બેઠો હોઉં એમ લાગે છે.

પાનીને ઝાડનું પ્રતિબિંબ અડે છે
અને હું તને
ધીરે ધીરેમૂળ ફેલાવતી જોઉં છું.

આખી બપોર..
પછી તો થળ પર નિશાની કરી હું
ચાલ્યો જાઉં છું દૂર દૂર...

દિવસોનાદિવસો વીતી જાય છે.
પૃથ્વીની પરિક્રમા કરી હું પાછો આવું છું.
કોઈ ધૂસર સાંજે,
ફળમાં રસ ભરાયો હશે એમ જાણી
હું ચાંચ ભરી ભરી પીઉ છું
ને પરપોટે પરપોટા થાય છે 
પરપોટે પરપોટેશિલાઓ તૂટતી જાય છે.

('પૃથ્વીના આ છેડે')
         - રાજેશ પંડ્યા

અનામી

કયારેક હતાશ થઇ જવાય ત્યારે
          કોણ યાદ આવે ?
                  તું.

વિચારોનું તુમુલ યુદ્ધ જામે ત્યારે
            કોણ યાદ આવે ?
                  તું.

 તૂટ્યો ન તૂટે એવો કંટાળો આવે ત્યારે
            કોણ યાદ આવે ?
                  તું.

ઘનઘોર  મૂંઝવણ જન્મે ત્યારે 
            કોણ યાદ આવે ?
                  તું.

નિર્ણય  લેવો જ પડે એવી કટોકટી સર્જાય ત્યારે 
            કોણ યાદ આવે ?
                  તું.

અચાનક  મન એકલું જ પડી જાય ત્યારે 
            કોણ યાદ આવે ?
                  તું.

વ્યવહારિક  ધર્મસંકટની પળોમાં
            કોણ યાદ આવે ?
                  તું.

ગુસ્સે  થઇ ગયા પછી ઠંડી પડેલી ક્ષણોમાં
            કોણ યાદ આવે ?
                  તું.

જાણે  છે કેમ?

તું જ છે આ બધી પરિસ્થિતિનો ઉકેલ.

દિલીપ પરીખ

કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને,
જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને.


     તારા વિના અહીં તો છે ફક્ત ધુમ્મસ બધે 
     તારી ગલી કેવા છે તડકાઓ લખ મને.

અકળાઈ જાઉં એવા અબોલા ન રાખ તું
તારા જ અક્ષરો વડે ઝઘડાઓ લખ મને.

      કોઈ મને બીજા તો ચહેરા નહીં મળે
      અમથા જ તારે હાથે દિલાસાઓ લખ મને.

મારા જીવનનો પંથ હજુ તો અજાણ છે.
ક્યાં ક્યાંપડ્યા છે તારા એ પગલાઓ લખ મને.
           
                                               -દિલીપ પરીખ

વિપીન પરીખ

એકસાંજે 
ટ્રેનના ચાલ્યા ગયા પછી
રેલ્વેના પાટા અરસપરસ પૂછતા હતા:
"બે માણસને એકબીજાથી દૂર જવા માટે 
કેટલું Distance જોઈએ?"

- વિપીન પરીખ