Wednesday, March 31, 2010

અનિલ જોષી - સમી સાંજ નો ઢોલ ઢબૂકતો ...

સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઊઘલતી મ્હાલે 
કેસરિયાળો  સાફો ઘરનું ફળિયું લઇ ને ચાલે.


           પાદર બેસી ફફડી ઊઠતી 
                           ઘરચોળાની ભાત.
           ડૂસકે ડૂસકે હડસેલાતી
                            બાળપણની વાત.

          પૈડું સિંચતા રસ્તો આખો,
                           કોલાહલમાં ખૂંપે                  
          શૈશવથી ચીતરેલી શેરી
                           સૂનકારમાં ડૂબે.

જાન વળાવી પાછો વળતો
                        દીવડો  થર થર કંપે
ખડકી પાસે ઊભો રહીને 
                        અજવાળાને ઝંખે.


સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઊઘલતી મ્હાલે 
કેસરિયાળો  સાફો ઘરનું ફળિયું લઇ ને ચાલે.

                                                               -અનિલ જોષી

Wednesday, March 24, 2010

કવિતાએ શું કરવાનું હોય? રમેશ પારેખ

કવિતા,
શિયાળુ રાત્રિએ તાપણું પેટાવે,
ઝાડને ગળચટ્ટી છાયડી પાડતા
શીખવે ઉનાળામાં,
ચોમાસામાં કહે વરસાદને -
ખાબકી પડ !

શું  શું બનવાનું હોય કવિતાએ?
કાચ સાંધવાનું રેણ ?
ભૂખ્યાનું અન્ન ?
અનિંદ્રાના દરદીની ઊંઘ?
સૈનિકના ઘાવ પર પાટો?
હા !

શિશુના કલશોરનો ઉત્સવ ઉજવવાનો હોય,
ચુંબન તરસ્યાં ફૂલો માંટે પતંગિયાં બનવાનું હોય,
માતાનાં સ્તનમાં દૂધ બનવાનું હોય,
શયનખંડના શુષ્ક એકાંતમાં
મધુર ઐક્ય રચવાનું હોય કવિતાએ.

કવિતાએ શું કરવાનું હોય?
જ્યાં ઈશ્વરના હાથ ન પહોંચે
ત્યાં પહોચવાનું હોય કવિતાએ.

- એ બધું તો ખરું જ,
પણ સૌથી મોટું કામ એ કે,
તેણે આખું ગામ ઊંઘતું હોય ત્યારે
જગાડવાનો હોય કવિને.

અમે તમારી વાંસળીઓ - સુરેશ દલાલ

અમે તમારી વાંસળીઓ ને તમે અમારા સૂર : શ્યામ ! ઓ સાંવરીયા ! 
અમે તમારી પાસે ને નહી તમે શ્વાસથી દૂર : શ્યામ ! ઓ સાંવરીયા ! 


અમે તમારા મોરપિચ્છમાં રેશમ જેવો રંગ :
તમે અમારે માથે છલકો : યમુનાનો આનંદ.
જનમજનમને ઘાટ તમારી શરદપૂનમનું પૂર;


 શ્યામ ! ઓ સાંવરીયા ! 


અમે તમારો પંથ : પંથ પર પગલીઓ છે પાવન:
મોહનનું આ રૂપ નિરાળું રમતું રહે સનાતન,
નહીં અવરની આવનજાવન : હૈયું માધવપુર ! 


શ્યામ ! ઓ સાંવરીયા ! 

- ને તમે યાદ આવ્યાં. હરીન્દ્ર દવે

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે શ્રાવણના આભમાં ઉધાડ થયો રામ,
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં.

જરા ગાગર ઝલકી ને તમે યાદ આવ્યાં,
જાણે કાંઠા તોડે છે કોઈ મહેરામણ રામ,
સ્હેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં.

કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ,
કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં.

કોઈ આંગણ અટક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ,
એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં.

Thursday, March 11, 2010

વ્હાલબાવરીનું ગીત

સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દ્યૈ દરિયો !

મને પૂછો કે ઘર મારું કેવડું
મારા વાલમજી બાથ ભરે એવડું

કોઈ હીરા જુવે તો કોઈ મોતી
મારી આંખો તો છેલજીને જોતી
જોતી રે રંગ કેસરિયો રે રંગ કેસરિયો

જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં

મારા વાલમનું નામ મારું નાણું
મારા મનનું ગુલાલ જેવું ગાણું
જાણું કે એણે ખાલી ઘડામાં ટહુકો ભરીયો !
-રમેશ પારેખ 

ભગવતીકુમાર શર્મા

અક્ષરબક્ષર, કાગળબાગળ, શબ્દોબબ્દો,
પરપોટેબરપોટે ક્યાંથી દરિયોબરિયો ?

કલમબલમ ને ગઝલબઝલ સૌ અગડમ બગડમ,
અર્થબર્થ સૌ વ્યર્થ, ભાવ તો ડોબોબોબો.

માઈકબાઈક ને અચ્છાબચ્છા, તાળીબાળી,
ગો ટુ હેલ આ કીર્તિબીર્તિ મોભોબોભો.

ટ્રાફિકબ્રાફિક, હોર્નબોર્ન ને સિગ્નલબિગ્નલ,
ઈસુબિસુનાં ઘેટાંને પર જડેબડે નહી રસ્તોબસ્તો.

સૂરજબૂરજ ને કિરણબિરણ સૌ અટકાયતમાં,
ચકમકબકમકથી પડશે નહિ તડકોબડકો.

ચશ્માબશ્મા કાચબાચમાં તિરાડ ત્રણસો,
વાંકોચૂકો, ભાંગ્યોતૂટ્યો ચહેરોબહેરો.

શ્વાસબાસમાં વાસ ભૂંજાતા માંસની આવે,
સમયબમયનો ખાધોબાધો ફટકોબટકો.

મનોજ ખંડેરીયા

બધાનો હોઈ શકે, સત્યનો વિકલ્પ નથી
ગ્રહોની વાત નથી, સૂર્યનો વિકલ્પ નથી
હજારો મળશે મયૂરાસનો કે સિંહાસન
નયનનાં આંસુજડિત તખ્તનો વિકલ્પ નથી
લડી જ લેવું રહ્યું મારી સાથે ખુદ મારે
હવે તો દોસ્ત, આ સંઘર્ષનો વિકલ્પ નથી
કપાય કે ન બળે, ના ભીનો યા થાય જૂનો
કવિનો શબ્દ છે, એ શબ્દનો વિકલ્પ નથી
પ્રવાહી અન્ય ન ચાલે ગઝલની રગેરગમાં

જરૂરી રક્ત છે ને રક્તનો વિકલ્પ નથી