પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.
ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે શ્રાવણના આભમાં ઉધાડ થયો રામ,
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં.
જરા ગાગર ઝલકી ને તમે યાદ આવ્યાં,
જાણે કાંઠા તોડે છે કોઈ મહેરામણ રામ,
સ્હેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં.
કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ,
કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં.
કોઈ આંગણ અટક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ,
એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં.
2 comments:
બહુ જ સરસ કવિતા છે.
સરસ કવિતા. આજે જ મેં ગુજરાતી ગીતોનું કલેક્શન બનાવ્યું, તેમાં આ ગીત આવ્યું ને હું થંભી ગયો. આખું સાંભળ્યું. અત્યારે પણ આખું વાંચી ગયો .. ને તમે યાદ આવ્યા.
Post a Comment