Saturday, November 27, 2010

ઉતાવળ ક્યાં હતી આંખોને પાણીદાર થાવાની ?
અમસ્તા તોય લોકો જાય છે એને રડાવીને

ગઝલ જેવું જ જીવન હોય તો બસ, એટલી રાહત,
કે જીવી તો જવાશે બસ જરા એને મઠારીને.

- દિવ્યા મોદી

સોયમાં દોરાને બદલે બા હતી,

ગોદડીમાં હૂંફ પણ સિવાઈ ગઈ   ગૌરાંગ ઠાકર

- ગૌરાંગ ઠાકર

જે ગમે તે બધું કરાય નહી,
ઢાળ પર જળનું ઘર ચણાય નહી.
આંગણે આવી ચકલી પૂછે છે,
બારણું પાછુ ઝાડ થાય નહી?
એ જ દુર્ભાગ્ય સૌથી મોટું છે,
કોઈના પણ કદી થવાય નહી.
દોસ્ત,વિસ્મય વિષય તો અઘરો છે,
કોઈ બાળક વગર ભણાય નહી
સાંજ પડતા તો સાવ ખાલી થાઉ,
ઘેર પડછાયો પણ લવાય નહી.
મા નથી ઘરમાં બાપ ઘરડો છે,
પણ નદીથી પિયર જવાય નહી.
આ ફકીરોની બાદશાહી જુવો,
આપણી જેમ હાય હાય નહી.
- ગૌરાંગ ઠાકર