Sunday, June 27, 2010

ચુંટેલા શેર

તકલીફ એનાં ટેરવાને ના પડે;
આ બારણાં ખુલ્લા હજુયે એમ છે.

-આહમદ મકરાણી

મારું  શરીર કાળી કીડીનો રાફડો છે,
ઈચ્છાને નામેએમાં ધરબેલ ગુપ્ત ધન છે.

- ભરત ભટ્ટ 'તરલ'

થોડાં  ગમા ને થોડાં અણગમા
બે વચ્ચે : ઉધાર હું ને તું જમા.

- પ્રદિપ રાવલ

સમયના હવે ઉંટ હાંફી ગયા છે
કહો ક્યાં સમયે પૂરી થાય આ રેતી.

- મનોજ ખંડેરિયા

લૈ આવ, હવે તું ચોખાનો દાણો
હું એકલો, યુગોથી મગ જેવો છું.

વારિજ લુહાર

યુદ્ધનો બસ એ જ સઘળો સાર છે,
હાર છે , હા , બેઉ પક્ષે હાર છે.
કોઈને શ્રદ્ધા હશે ઇશ્વર ઉપર,
આપણે તો આપણો આધાર છે. - જાતુષ જોશી

બસ હવે હસવું નથી રડવું નથી,
છેક પાસે છે છતાં અડવું નથી.
એ હશે ઉપર તો નીચે આવશે,
કોઈ સીડી પર હવે ચડવું નથી. - સુભાષ શાહ

 

મનગમતા શેર

ન શસ્ત્રહીન સમજ મારી બંધ મુઠ્ઠીને,
કે જ્યાં કશું નથી નથી ત્યાં ઝંઝાવાત હોઈ શકે.
- હેમેન શાહ


એક ઘાએ ખેલ પુરો ના થયો,
ખૂબ તરફડવું પડ્યું વાગ્યા પછી.

- હેમેન શાહ

ને  રંજ માત્ર ભીંત તૂટ્યાંનો નથી મને
બીજી  રીતે કહું તોછબી પણ નથી રહી.

-મુકુલ ચોકસી

આવ સામે હવે તુંમને ભેટવા,
ડગ ન એકે હું ભરું હવે દ્વારથી.

-રાજેન્દ્ર શુક્લ

યુદ્ધ રણમાં હો તો હું પહોંચી વળું,
આ  તો ભીતર શાંત વિપ્લવ થાય છે.

-રવીન્દ્ર પારેખ

સૈકાથી સાંગોપાંગ બનેલો હું એમ છું,
કોઈ થીજેલ કાલ છું, હું આજ જેમ છું.

-શૈલેશ ટેવાણી

મહેનત પાછળ બબ્બે બાહુ,
કિસ્મત પાછળ માત્ર હથેળી.

- શૂન્ય પાલનપૂરી


રેખાઓમાં રહયો અડોઅડ બીન્દુઓનો ફાળો
મંઝીલ બીજું કઈ નહીં બસ ડગલાંનો સરવાળો.

-મુનિચંદ્ર વિજયજી 'આનંદ'


કેટલાં વરસો પછી તું માવઠા જેવું હસી
આજ લાગ્યું કે નદી પહાડોમાં ધસી.

- અશોકપુરી ગોસ્વામી